Feeds:
Posts
Comments

 

આવશે અંદરથી ભીની ભીની સુગંધ, તું કરી જો શ્રદ્ધા સાથે આંખો બંધ

 

 

Dr. Sharad Thakar

લાભશંકરભાઇ ભાણગઢ ગામના ગામઠી દવાખાનામાં બેસીને દર્દીઓને તપાસી રહ્યા હતા, ત્યાં એમની નજર દૂર બારીમાંથી દેખાતા દૃશ્ય ઉપર પડી. ખુલ્લા ખેતરના માટી-રસ્તાને ખૂંદતું એક ટોળું દસેક વર્ષના છોકરાને ચકીને શ્વાસભેર આવી રહ્યું હતું.

ભાણગઢ ધોલેરા પંથકનું નાનું એવું ગામડું છે. અમદાવાદથી આશરે એકસો પાંત્રીસ જ કિ.મી. છેટેનું ગામ. પણ આ વિસ્તારની કંગાલિયત જોઇને એવું લાગે કે જાણે પાટનગરથી એકાદ હજાર કિ.મી. દૂરનો આ પ્રદેશ હશે! વાઇબ્રન્ટ ગુજરાતના ગુબ્બારા અહીં આવતાં પહેલાં જ ફૂટી જાય છે અને ગોકુળગ્રામની પરિકલ્પના હાસ્યાસ્પદ બની જાય છે. અહીં ખેતરો છે, પણ પાક નથી. અહીં ભૂખ છે, પણ અનાજ નથી. અહીં માણસો છે, પણ બેકાર છે. અહીં દરદીઓ છે, પણ ડોકટર નથી. આજુબાજુનાં આઠ-દસ ગામો વરચે ઠંડા પાણીની પરબ જેવું એક માત્ર દવાખાનું ભાણગઢમાં છે, જે હમણાં સુધી એક ખખડધજ ઓરડીમાં ચાલતું હતું. થોડાં સમય પહેલાં પ્રમુખસ્વામીના આશીર્વાદથી એક પાકો બાંધેલો વિશાળ ઓરડો દવાખાનાને મળી ગયો છે.

આરોગ્યનું મંદિર તો બંધાઇ ગયું, બીમારીગ્રસ્ત ભગવાનો ઠેર-ઠેર રઝળે છે, પણ પૂજારીનું શું? શહેરની મેડિકલ કોલેજમાંથી એમ.ડી. કે એમ.એસ. થઇને બહાર પડતા એક પણ ડોકટરને આ નપાણિયા મુલક તરફ નજર ફેંકવાની ઇરછા પણ નથી ફુરસત પણ નથી. એક ભલા ડોકટર નામે લાભશંકરભાઇ અઠવાડિયામાં એક વાર દર બુધવારે ભાણગઢના આ સૂના આરોગ્યમંદિરમાં પૂજારીનો પાઠ ભજવવા માટે આવતા રહે છે. વર્ષોથી આ સેવાયજ્ઞ ચાલતો આવે છે, પણ આજે આ નવું કૌતુક થયું.

‘શું થયું છે આ છોકરાને?’ ડોકટરે વિચિત્ર પ્રાણી જેવા લાગતા બાળકને જોઇને પ્રશ્ન કર્યો.

‘ભગવાન જાણે!’ એક જણે જવાબ આપ્યો, ‘છોકરો જયારે છ મહિનાનો હતો ત્યારે એને તાવ આવેલો. એની મા દાગતરને બદલે ભૂવા પાસે લઇ ગઇ. ભૂવાએ દાણા મંતરીને કીધું કે આને કો’કની મેલી નજર લાગી છે. વિધિ કરવી પડશે. દવા-સારવારની જરૂર નથી.

‘પછી?’

‘પછી શું, સાહેબ? છોકરાનું શરીર જકડાઇ ગયું. આજે દસ વર્ષનો થયો, તોયે ચાલી શકતો નથી. હાથ-પગ ટૂંટિયું વળી ગયા છે. આખા પંથકમાં દાગતર તો છે જ નહીં. હમણાં કયાંકથી ખબર સાંભળી કે ભાણગઢમાં દર બુધવારે એક દાગતર આવે છે. દાગતર હોંશિયાર છે અને દયાળુ પણ…’

ડો. લાભશંકરને આત્મ-પ્રશંસા સાંભળવાની આદત નહોતી, એટલે એમણે બોલનારને વરચેથી જ અટકાવ્યો, ‘તમે આ છોકરાના બાપ છો?’ ‘ના, સાહેબ, અમે બધાં તો એના પડોશીઓ છીએ. આના મા-બાપ તો હિંમત હારીને બેસી ગયા છે. એમણે તો દીકરાની સાથે આવવાનીયે ના પાડી દીધી.’

ડો. લાભશંકરભાઇ કરુણતાસભર હસ્યા, ‘એ લોકો વહેવારુ નીકળ્યા, ભાઇ! હું તો જનરલ પ્રેકિટશનર છું. ગામડાનો ડોકટર. શરદી, ખાંસી, તાવ, ઝાડા અને મરડો જેવી સામાન્ય બીમારીઓની સારવાર કરવી એટલું મારું અધિકારક્ષેત્ર. આ બાળકનો ઇલાજ તો અમદાવાદ કે મુંબઇ જેવા મોટા શહેરોના મોટા નિષ્ણાત ડોકટર જ કરી શકે. એ પણ ભાગ્યે જ સફળ જાય. આમાં મારી ચાંચ ન ડૂબે.’

ડોકટરે નિખાલસતાપૂર્વક જણાવી દીધું, પણ એમાં પેલા ગ્રામીણ ભોળા લોકોની ચાંચ ન ડૂબી, ‘સાહેબ, અમે તો તમારા વખાણ સાંભળીને આવ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજના આ દવાખાના માથે આશીર્વાદ છે, પછી દરદીને સારું કેમ ન થાય?’

ડોકટરને થયું કે આ લોકોની શ્રદ્ધા પોતાની આવડત કરતાં ચડિયાતી હતી. એમણે સતીષને (છોકરાનું નામ) તપાસ્યો. એના બંને પગ ગોઠણ આગળથી અને નિતંબના સાંધા આગળથી વળેલા હતા. એને લાંબા કરવાનો જરા સરખો પ્રયત્ન ફ્રેકચરમાં પરિણમે તેવી શકયતા હતી. થોડુંક જ્ઞાન અને ઝાઝો અનુભવ, થોડીક શુભ દાનત અને વધુ તો ગામલોકોને ટાળવાના આશય સાથે ડો.લાભશંકરે સારવાર શરૂ કરી. કાચની બે શીશીમાંથી પ્રવાહી દવાઓ ભરી આપી. દિવસમાં કેટલી વાર લેવી તે વિશે સૂચના આપી. હાથ-પગની થોડીક પ્રાથમિક કસરતો કરાવવાની સલાહ આપી.

‘બીજી વાર કયારે આવીએ, સાહેબ?’ સતીષને લઇને આવેલા એક પડોશીએ પૂછ્યું.

‘ફરી વાર બતાવવા આવવાની જરૂર નથી.’

‘સારું થઇ જશે?’ આ સવાલમાં શ્રદ્ધાનો સાગર છલકાતો હતો. ડોકટર કહેવા તો એવું ઇરછતા હતા કે- ના, સારું કયારેય નથી થવાનું, માટે બીજી વાર છોકરાને લઇને આવવાની ના પાડી રહ્યો છું, પણ અભણ માણસોની ભોળી આંખોમાંથી ટપકતી શુદ્ધ, પરિશુદ્ધ શ્રદ્ધા જોઇને તેઓ આ વાકય ઉરચારી ના શકયા. એને બદલે કહી દીધું, ‘હા, રાહત થઇ જશે.’

બરાબર પંદર દિવસ પછી ફરીથી બુધવારે દસ વાગતામાં તો ટોળું પાછું ઝબકયું.

ડો.લાભશંકરભાઇ દર્દીઓને તપાસી રહ્યા હતા, એમાંથી માથું ઊંચું કરીને બારીની બહાર જોયું. જે દૃશ્ય ભાળ્યું એનાથી ઘીસ ખાઇ ગયા. પખવાડિયા પહેલાંનાં અને આજના દૃશ્યો વરચે તફાવત માત્ર એક જ હતો: આજે સતીષ પોતાના પગ ઉપર ચાલીને આવી રહ્યો હતો! અલબત્ત, ડાબે-જમણે બે પુરુષોએ એને સહારો આપવો પડતો હતો, પણ તેમ છતાં સતીષની હાલતમાં અઠ્ઠાણું પ્રતિશત જેટલો સુધારો જોઇ શકાતો હતો. સતીષ અંદર આવીને ડોકટરના પગમાં પડી ગયો. ટોળુ ડોકટરની સામે હાથ જૉડીને ઉભું રહ્યું.

‘જોયું, સાહેબ, અમે નહોતા કે’તા કે તમારી દવામાં અને આ દવાખાનામાં જશ લખાયેલો છે? થયોને ચમત્કાર?’ ટોળાનો પ્રવકતા ઉત્સાહમાં હતો.

ડો.લાભશંકરભાઇ આ લોકોને રાજી જોઇને કંઇ બોલ્યા નહીં, પણ એ તો વિજ્ઞાનના માણસ હતા. એમને ‘ચમત્કાર’ નામના શબ્દ સાથે ઝાઝું સગપણ પરવડે નહીં. એ સમજી ગયા કે ભલે સતીષની બીમારીનું નિદાન ગમે તે હોય, પણ એમણે આપેલી સારવાર કારગત નીવડી હતી. શકિતની દવાએ અસર દેખાડી હોય કે કસરતે ફાયદો કરી આપ્યો હોય કે પછી છોકરાના ખુદના આત્મવિશ્વાસનું આ પરિણામ હોય, જે હોય તે, પણ છેલ્લા નવ-સાડા નવ વર્ષથી જકડાયેલી જિંદગી જીવતો સતીષ આજે એના પગ ઉપર ઉભો હતો.

પણ ડોકટરે આ બધાં તર્કો ટોળા સમક્ષ ઉઘાડા ન પાડયા. જે શ્રદ્ધાના પાણી વડે વાલ ચડતાં હતાં એને ચડવા દેવામાં જ શાણપણ હતું. સોથી વધારે મહત્ત્વની બાબત એ હતી કે એમને ખુદને પોતાની દવામાં હવે વિશ્વાસ વધી ગયો હતો.

‘ગભરુ, ગયા વખતે આપેલી એ જ દવા આજે પણ ભરી આપ! આ વખતે શીશીઓ જરા મોટી લેજે…’ ડોકટરે કમ્પાઉન્ડરને સૂચના આપી, પછી સતીષને સલાહ આપી, ‘બંને દવાઓ નિયમિત પણે લેજે. સવારે ને સાંજે એક-એક ગ્લાસ દૂધ પીવાનું રાખજે. થાળીમાં જે પીરસાય તે બધું જ ખાજે, અને હાથ-પગને તેલનું માલીશ કરાવજે. કસરતોનું પ્રમાણ પહેલાં કરતાં બમણું કરી નાખજે.’

‘સાહેબ, ફરી પાછો કયારે આવું?’

‘પંદર દિવસ પછી.’

‘ત્યાં સુધીમાં થોડોક વધારે ફરક તો પડી જશે ને?’ સતીષની આંખોમાં ચમકારો હતો.

‘ફરક? અરે, પંદર દી’ પછી તો તું દોડતો થઇ ગયો હોઇશ. તને આ દવાખાનાની બહારના ખુલ્લા મેદાનમાં જો ક્રિકેટ રમતો ન કરી દઉં તો મારું નામ…’ આટલું બોલીને લાભશંકરભાઇ અટકી ગયા. દર્દીને સાજો કરવાનો ગર્વ અને એ બાબતનું ગૌરવ, એ બે વરચે બહુ પાતળી ભેદરેખા રહેલી હોય છે. સારો ડોકટર આ વાત જાણતો હોય છે, અને સારો ડોકટર એ વાત પણ સારી રીતે જાણતો હોય છે કે જગતમાં તમામ દરદીઓ માત્ર દવાને કારણે જ સાજા નથી થઇ જતા, તબીબી-વિજ્ઞાનમાં ‘માઇન્ડ ઓવર બોડી’ જેવું પણ કશુંક હોય છે જેને વિજ્ઞાન હવે સ્વીકારવા લાગ્યું છે.

(સત્ય ઘટના, શીર્ષક પંકિત : ચંદ્રેશ શાહ)

 

ઘડીભરમાં નથી થાતી મહોબત જિંદગીભરની…

હૃદય લેતાં હૃદયને આપતાં બહુ વાર લાગે છે

કિરાતના જમણા હાથની આંગળીઓના ટેરવે જન્મેલી ઝણઝણાટી હજુ પણ ઓસરી ન હતી. ચોવીસ કલાક થઈ ગયા, તો પણ.

બાકી તો છેક ગઈ કાલ સાંજની વાત હતી. કન્સ્ટ્રકશનની નવી સાઇટ ઉપરનું નિરીક્ષણ પૂરું કરીને એ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં કેદારનું ઘર આવ્યું. આમ તો કેદાર એનો જૂનો મિત્ર. ગાઢ મિત્ર ન ગણાય. કોલેજમાં સાથે ભણતા હતા, એટલે દોસ્તી જેવો પરિચય થઈ ગયેલો. પાંચેક વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા. લગ્ન વખતે કેદારે કંકોતરી મોકલી હતી, પણ પોતે જઈ શકયો ન હતો. પાછળથી મિત્રોના મોંઢે વાત સાંભળી, ત્યારે લગ્નમાં હાજરી ન આપવા બદલ અફસોસ પણ થયો હતો. લગભગ તમામની જીભ ઉપર એક જ વાકય હતું : ‘તું રહી ગયો, દોસ્ત! આવી તક ફરી-ફરી ન મળે.’

‘કેમ? જમવાનું એટલું બધું સ્વાદિષ્ટ હતું?’

‘જમવાને માર ગોળી, યાર! જોવાનું બહુ સ્વાદિષ્ટ હતું!’

એ પછીનાં વાકયોમાં માત્ર પુરુષો વરચે જ બોલી શકાય અને સાંભળી શકાય એવો શૃંગારરસ હતો. બધાની જીભ ઉપરથી લાળની સાથે સાથે એક જ વાત ટપકતી હતી : ‘મારો બેટો કેદારિયો! કાગડો દહીંથરું નહીં, પણ કોહિનૂર ઉપાડી લાવ્યો છે. એને જોઈને જ આપણી તો નેત્રતૃપ્તિ થઈ ગઈ. ’

જેની રૂપાળી વહુ, એના ભાઈબંધ સહુ. આ કોઈ નાટકનું નામ જ ફકત નથી, પણ પૃથ્વીના આરંભથી જ શરૂ થયેલાં સ્ત્રી-પુરુષોના પ્રબળ આકર્ષણનો ટૂંકો દસ્તાવેજ છે. સ્ત્રી કુંવારી હોય કે પરણેલી, એનાં રૂપના લોહચુંબકથી કોઈ બચી શકયું નથી. કેદારના ઘરે પણ મિત્રોની અવર-જવર વધી પડી.

ગઈ કાલે કિરાત પણ આ જ શૃંખલાના આખરી મણકા રૂપે કેદારના ઘરે ટપકી પડયો અને કેદારે એને પ્રેમપૂર્વક આવકાર્યો પણ ખરો: ‘આવ, કિરાત. તું તો ભ’ઈ બહુ મોટો બિલ્ડર બની ગયો છે ને! સાંભળ્યું છે કે કરોડો રૂપિયા બનાવી લીધા છે…!’

‘ઠીક છે, મારા ભૈ! કડિયાકામ કરી ખાઈએ છીએ. ચાલીસ-પચાસ કરોડ કમાયા એ કંઈ રૂપિયા બનાવી લીધા એવું કહેવાય? ચાર-પાંચ મોટી સ્કીમો ચાલે છે. એક-બે આપણી માલિકીના બંગલાઓ છે અને ત્રણ-ચાર ખખડી ગયેલાં બળદગાડાં છે. તારા જેવું નથી, યાર! તું તો અબજો દેતાંયે ન મળે એવું ‘ધન’ કમાઈને બેઠો છે…’

કેદારની નજર ખુલ્લી બારીમાંથી દેખાતી કિરાતની મર્સિડિઝ ઉપર પડી. તો આ હતું બળદગાડું!

‘ક્ષિતિ, બે ગ્લાસ પાણી લાવજે. જો કોણ આવ્યું છે? ઓળખાણ કરાવું.’ અને પ્રતિસાદરૂપે જે પદમણી પ્રગટ થઈ એને નિહાળીને કિરાતને થયું કે આ ક્ષણે જ મૃત્યુ આવી જાય તો પણ અફસોસ જેવું નથી. આ જગતમાં જે જોવા જેવું છે, એ જોવાઈ ગયું છે. મારો વાલીડો કેદારિયો! ભીખારીને લોટરી લાગી! એણે ટ્રેમાંથી ગ્લાસ ઉઠાવ્યો. મનમાં લાગેલી આગને શમાવતો હોય એમ આખોયે ગ્લાસ એ ગટગટાવી ગયો. પણ પછી જે ઘટના બની એ એના માટે કલ્પનાતીત હતી.

જેવો એ ખાલી ગ્લાસ ટ્રેમાં પાછો મૂકવા જાય છે, ત્યાં ક્ષિતિએ હાથ લંબાવીને એના હાથમાંથી ગ્લાસ લઈ લીધો અને એમ કરતી વખતે એના રૂપાળા, ગોરા હાથની સુંવાળી આંગળીઓ કિરાતની આંગળીઓ ઉપર ચંપાઈ, દબાઈ અને એના દેહમાં સંચરતો વિધુતપ્રવાહ કિરાતના જમણા હાથના પંજામાં ઠાલવી ગઈ. આજે ચોવીસ કલાક થઈ ગયા એ ઘટનાને, પણ એ ટેરવાંઓ ઉપરની ઝણઝણાટી હજુયે ઓસરી ન હતી.

શું આ સંકેત હતો? અતૃપ્ત લગ્નજીવન વિષયનો ઇશારો હતો? મિત્રોનું કહેવું તો એવું હતું કે કેદારિયાની બૈરી ઘોલર મરચાં જેવી છે. કોઈનીયે સાડીબાર રાખતી નથી. મજાક-મસ્તીની જરા સરખી છૂટ લેવા જઈએ, એ ભેગાં જ મૂળિયાસોતાં વાઢી નાખે છે. તો પછી એ ત્રિભુવનસુંદરી એની ઉપર આમ ઓવારી કેમ ગઈ?

પૂરા ચોવીસ કલાકના મનોમંથન અને બુદ્ધિપૂર્વકના વિશ્લેષણ પછી કિરાત આ પરિણામ ઉપર આવ્યો : બીજા મિત્રોની વાત જવા દો. એ બધાનાં ડાચાં જૉયાં? સગ્ગી પત્ની પણ ધક્કો મારી દે. જયારે પોતે તો કામદેવનો અવતાર છે. બીજાનાં કપડાં કેવાં અને પોતાનાં મોંઘાં વસ્ત્રો કેવાં છે? બાકીના મિત્રો ઠાિઠયા જેવા સ્કૂટર ઉપર ફરે છે, જયારે પોતે લકઝુરિયસ ગાડીમાં આળોટે છે. અને આ બધી વાતો કેદારે એની પત્નીને જણાવી જ હશે. એ બાપડો મિત્રના ઐશ્વર્ય બાબત ડંફાસો મારતો હશે અને પેલી ‘ઐશ્વર્યા’ એ વર્ણનથી અંજાઈને મનોમન પોતાના ઉપર ઓળઘોળ થઈ રહી હશે. કોને ખબર?

પણ એક વાત નિશ્ચિત છે એને મળવું તો પડશે જ. એણે બીજા દિવસે બપોરે કેદારના ઘરે ફોન લગાડયો. કાનમાં મધ ઘોળાયું. સામે છેડે મધપૂડો જ હતો : ‘મને ખબર જ હતી કે તમે ફોન કરશો.’

‘નહીં, ભાભી…. મેં બસ, અમસ્તાં જ… મને એમ કે લાવો, કેદાર જોડે વાતો કરીએ…’

‘ના, તમને બરાબર ખબર છે કે તમારા મિત્ર અત્યારે જોબ ઉપર હોય છે. એમ કેમ નથી કહેતા કે ફોન મારી સાથે વાત કરવા માટે કર્યો હતો?’

હવે દોણી છુપાવવાનો કશો અર્થ ન હતો. કિરાતે સીધી છાશની વાત કાઢી, ‘ક્ષિતિભાભી, ગઈ કાલે તમારા હાથનો સ્પર્શ…. હું એને અકસ્માત સમજું કે આમંત્રણ?’

જવાબમાં એક અપ્સરા જાણે શરમાઈને મૌનનો રેલો બની ગઈ. માંડ-માંડ એ મૌનને વાચા ફૂટી, ‘કિરાત, હવે પછી મને કયારેય ક્ષિતિભાભી કહીને ન સંબોધશો. હું પહેલી નજરે જ તમારી ઉપર પાગલ થઈ ગઈ છું. કદાચ હું તમારા માટે જ બની હોઇશ. આ કેદાર નામનું ખરચર કયાંથી મારા કિસ્મતમાં ટપકી પડયું? મારે તો હણહણતા અશ્વ જેવો પુરુષ જોઇએ…. તમારા જેવો…’

કિરાત બેચેન બની ગયો. એ બેચેની બુઝાવવા માટેનો એક જ ઉપાય હતો. એ અને ક્ષિતિ મળતાં ગયાં, મળતાં રહ્યાં, વારંવાર. પણ પૂરેપૂરા નહીં. ઇન્કારની એક મક્કમ રેખા ક્ષિતિએ દોરી રાખી : ‘ના, કિરાત. લગ્ન વગર દેહસંબંધ શકય નથી. મને પામવાનો એક જ માર્ગ છે, વાજતે-ગાજતે મને લઈ જવાનો.’

‘તો પછી તું કેદાર પાસે છૂટાછેડા માગી લે.’

‘મારા જેવી રૂપાળી પત્નીને છૂટાછેડા આપવા કયો પતિ તૈયાર થાય?’

‘તો પછી…? તો પછી…? તો પછી…?’

પૂરા છ મહિનાની ચર્ચા અને વિચારણાઓ પછી બંને પ્રેમીજનો એ નિર્ણય ઉપર આવ્યાં કે પગમાં વાગતા કાંટાને હટાવવો હશે તો એને ફકત કાઢવાથી કામ નહીં સરે, એને તોડી નાખવો પણ જરૂરી છે. કેદારને પણ ખતમ કરવો રહ્યો.

યોજનાનાં અનેક સ્વરૂપો હોય છે. અકસ્માત, આપઘાત, અજાણ્યા દ્વારા ખૂન…! ધનવાનો માટે આ દરેક સ્વરૂપ સહેલાં હોય છે.

એક દિવસ અખબારી પાનાં ઉપર એક હેડલાઇન ચમકી ગઈ : શહેરના મઘ્યમવર્ગીય વિસ્તારમાં રહેતા એક કારકૂનની કોઈ અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા. લૂંટફાટના ઇરાદે ઘરમાં ઘૂસેલા ઇસમોએ….

પણ પછી અચાનક ઘટનાક્રમે અણધાર્યો વળાંક લીધો. રોજેરોજ અખબારી રિપોર્ટિંગના રંગો બદલાતા ગયા. ત્રીજા દિવસે : પોલીસને કાવતરાની પડેલી શંકા. પાંચમા દિવસે : મૃતક કેદારની રૂપાળી પત્ની ક્ષિતિએ કરેલો ધડાકો : પોતાના મોહમાં અંધ બનેલા એક કૌટુંબિક મિત્રનો હત્યામાં હાથ હોવાનો ઘટસ્ફોટ. પોલીસને આપેલા મહત્ત્વના પુરાવાઓ.

પંદર દિવસની અંદર કેદારનો હત્યારો કિરાત જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. પતિના કાતિલને મળવા માટે પોલીસની પરવાનગી લઈને પધારેલી ક્ષિતિએ એકાંત મળતાં જ પૂછી લીધું, ‘કિરાત, ચિંતા ન કરીશ. તારી પાસે ખૂબ પૈસા છે. સારો વકીલ રાખીને તું નિર્દોષ છૂટી શકીશ.’

‘પણ…. ક્ષિતિ! તેં આવું શા માટે કરાવ્યું? તું તો મને ચાહતી હતી.’

‘એ તારી ભૂલ હતી, કિરાત! હું ચાહતી હતી કુમારને. આવતા મહિને હું એની સાથે લગ્ન કરી લઉં છું. તું બહાર આવીશ, ત્યારે અમે અમેરિકા નામની વિશાળ દુનિયામાં ખોવાઈ ગયાં હોઇશું. બે વાત યાદ રાખજે. એક તો મને કયારેય મળતો નહીં. અને બીજી? કદાચ મળી જવાય તો મને ‘ક્ષિતિભાભી’ કહીને સંબોધજે. આખરે હું તારા મૃત મિત્રની માજી પત્ની છું.’

શીર્ષક પંકિત : ‘રાજ’

I Miss You

I Miss You

When you are gone
I feel so alone
I miss you dear
when you are not hereYou make my day
Like when the sun shines in May
I need to see your smile
and I wish I could see it more then just once in a while

You are such delight
and add joy to my nights
I want you to know what you mean to me
and oh.. I hope that you can see

My heart is missing you
and I wonder… do you miss me too?
I hope that you do
because I know I miss you!!

I always hope you are ok, and nothing is wrong
When will I see you again.. oh I hope it won’t be long!
I need to know that you care
and that no matter what you will always be there

Remember this is for you, my friend
and to you I will send
So keep it close to your heart
and if you do, we will never part.

My heart is missing you!!

I Miss You…..

 

 

કંકોતરીથી એટલું પુરવાર થાય છે

  નિષ્ફળ બને છે પ્રેમ તો વ્યવહાર થાય છે

ખાણી-પીણીનો માહોલ સોળે કળાએ ખીલ્યો હતો. જેનો જન્મદિવસ હતો એ બાળક તો બાપડું કેક’ કપાયા પછી દસ જ મિનિટમાં થાકી-પાકીને ઊંઘી ગયું હતું, પણ મોટાઓની મહેફિલે હવે જ રંગ પકડયો હતો.

કોઈ સ્ત્રી આટલી બધી સુંદર હોઈ શકે?’ દૂર ખૂણામાં બેસીને દારૂની મજા માણી રહેલા પાંચ-સાત પુરુષોમાંથી અચાનક એક પીધેલા’ પુરુષે નશીલો પ્રશ્ન પૂછી નાખ્યો.

એના સવાલનો છેડો પકડીને બાકીના પુરુષોએ એમની નજરોને વહેતી મૂકી તો એ બધી સાગમટે સૌંદર્યના સરનામા પાસે જઇને અટકી. ત્યાં એક સ્ત્રી ઊભી હતી. સૃષ્ટિના સર્વશકિતમાન શિલ્પીએ શ્રેષ્ઠ સામગ્રી વાપરીને ઘડી હોય એવી બેનમૂન મૂર્તિ. કાયાની તિજૉરીમાં માયાની લખલૂટ સંપત્તિ ઠાંસોઠાંસ ભરીને પૃથ્વી ઉપર અવતરેલી અનુપમ નારી. જેને જૉયા પછી ન પીધેલા પુરુષો પણ લથડિયાં ખાવા માંડે એવી નશીલી મધુશાલા.

એ ચિનાર છે. ઋગ્વેદ રેશમિયાની પત્ની.’ જાણકારે માહિતી પીરસી. રેશમિયો નસીબદાર છે. આ રેશમડીની સાથે ચાર ફેરા ફર્યા પછી મારા બેટાએ રેશમિયા’ અટક ધારણ કરી લાગે છે!’ એક ઇર્ષાળુએ ગરમ-ગરમ નિ:સાસો નાખ્યો. પછી તો બધાએ આ નિ:સાસામાં પોતપોતાના ગજા મુજબનો ફાળો નોંધાવ્યો. મહેફિલના ચારેય ખૂણે લગભગ તમામ પુરુષોની આવી જ દશા હતી.

ત્યાં જ એક અણધારી ઘટના બની ગઈ. ચિનાર એના પતિની સાથે ઊભી હતી. બંનેના હાથોમાં ભોજન માટેની ડિશ હતી. નાનકડી પ્લેટમાં જેટલી જગ્યા હતી એના કરતાં બમણી વાનગીઓ ભરેલી હતી. ત્યાં અચાનક ચિનારના દેહને કોઇનો ધક્કો વાગ્યો. એના હાથમાંની પ્લેટ છલકાઇને લગભગ ઊંધી વળી ગઈ. હાં… હાં… હાં..! સાચવજે જરા…’ બોલતો એનો પતિ ઋગ્વેદ એક હાથે પત્નીના શરીરને આધાર આપી રહ્યો, પણ ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું એ તો થઈ જ ચૂકયું હતું.

બાસુંદી, કઢી, પંજાબી શાકમાંથી નીતરતું તેલ અને અથાણું વગેરેએ ચિનારની કિંમતી સાડીના પાલવ ઉપર ભાતભાતનું ચિતરામણ કરી ચૂકયું હતું. મહેફિલના જામેલા રંગમાં ભંગ પડી ગયો પણ ઋગ્વેદે તરત જ મામલો સંભાળી લીધો. તું હાલીશ-ચાલીશ નહીં! જયાં છે ત્યાં જ ઊભી રહેજે, હું હમણાં જ બધું સરખું કરી આપું છું.’ કહીને ઋગ્વેદે પોતાની ડિશ ટેબલ ઉપર મૂકી દીધી.

દોડીને પાણી ભરેલો ગ્લાસ લઈ આવ્યો. ટિશ્યુ પેપર્સ લઈ આવ્યો. પત્નીની સાડીનો ખરડાયેલો પાલવ ભીના ટિશ્યુ પેપરથી લૂછીને સાફ કરી નાખ્યો. થોડું વધારે પાણી વાપરીને ડાઘા કાઢી આપ્યા. પછી નોકર દ્વારા ભોંય ઉપર પડેલી ડિશ અને ખાધસામગ્રી ઉઠાવી લેવડાવી.

વોશબેઝિન પાસે જઇને, સાબુથી પોતાના હાથ ધોયા. પછી બીજી સ્વરછ ડિશમાં નવેસરથી વાનગીઓ ભરીને એ પત્ની પાસે આવ્યો, લે, ડાર્લિંગ! સ્ટાર્ટ અગેઇન!’ એનો પત્નીપ્રેમ જૉઇને હોલ આખો તાળીઓથી ગૂંજી ઊઠયો.

એ ગુંજારવ વરચેથી ધીમા-ધીમા ગણગણાટ જેવો કોઈ જાણકારનો ટહુકો સંભળાયો, બિરચારો! આટલું ઘ્યાન રાખે છે… આટલી સેવા કરે છે… આટલો પ્રેમ બતાવે છે… તો પણ બદલામાં એને શું મળે છે? એની ચિનાર તો કોઈ બીજા પુરુષના પ્રેમમાં છે!!’

જેણે જેણે સાંભળ્યું એ જીવતા માણસ મટીને જડ મૂર્તિ બની ગયા. ઇર્ષા મૃત્યુ પામી. એનું સ્થાન આઘાત, આશ્ચર્ય અને સહાનુભૂતિએ લઈ લીધું. થોડા દિવસ પછી બીજી એક ઘટના બની ગઈ. મિત્રોનું જૂથ પિકનિક માણવા ઊપડયું. પૂનમની રાત હતી. પ્રેમિકાના ચહેરા જેવો પૂર્ણકળાનો ચંદ્ર હતો અને એને જૉઇને ગાંડોતૂર બનેલો દરિયો હતો.

જેમને તરતા આવડતું હતું એ બધા સમુદ્રમાં નહાવા પડયા. સ્ત્રીઓ કાંઠે ઊભી-ઊભી સાગરના ખારા પાણીને એમના ચરણસ્પર્શ વડે મીઠાં બનાવી રહી હતી. ત્યાં અચાનક ભરતીનું એક ધૂઆધાર મોજું ધસી આવ્યું અને સૌંદર્યથી મઢેલા ટોળાને તાણી ગયું.

સ્ત્રીસ્વરોની તીણી ચીસોથી હવા ભેદાઈ ગઈ. જેમને તરતા આવડતું હતું એ પુરુષો પણ હક્કા-બક્કા થઇને જૉતા રહ્યા. એક માત્ર ઋગ્વેદ પાછા વળતા મોજાંઓ વરચે દોડી ગયો.

સદ્ભાગ્યે ડુંગર જેવું દરિયાઈ મોજું નારીવૃંદને ભીની રેતીના હવાલે સોંપીને રવાના થઈ ગયું, બાકી. બીજી સ્ત્રીઓ તો ડૂબી જ ગઈ હોત. ફકત ચિનાર એકલી બચી ગઈ હોત. રૂપનું જળ નીતરતું પોટલું પોતાના હાથોમાં ઊંચકીને બહાર આવતા ઋગ્વેદને જૉઇને કાંઠે ઊભેલા પતિદેવો લજવાઈ ગયા.

એક સ્ત્રીએ તો પૂછી પણ લીધું, તમે તો કે’તા હતા ને કે તમને તરતા નથી આવડતું?’ હા, નથી જ આવડતું.’ ઋગ્વેદની છાતી હાંફી રહી હતી. વજન ગમે તેટલું રૂપાળું હોય તોયે એનો ભાર તો લાગતો જ હોય છે

તો પછી હમણાં તમે દરિયામાં કેમ દોડી ગયેલા?’ ઋગ્વેદની નજર ચિનારના ચહેરા ઉપર હતી.

બંધ આંખે પતિની ભુજાઓમાં સલામતીપૂર્વક ઝૂલી રહેલી ચિનારના રૂપાળા મોં ઉપર રૂપેરી ચાંદની ઢોળાતી હતી એ જૉઇને ઋગ્વેદે જવાબ આપ્યો, કારણ કે મને તરતા ભલે ન આવડે, પણ ડૂબવાનું તો આવડે છે ને? મારી ચિનાર જૉ દરિયામાં ખેંચાઈ જાય, તો પછી મારે જીવતા રહીને શું કામ છે?’ રોમેન્ટિક રાતે ઋગ્વેદનો રોમેન્ટિક ઉત્તર સાંભળીને કોરસમાં ઊભેલાં સ્ત્રી-પુરુષોએ તાળીઓ પાડી.

હથેળીઓમાંથી ફૂટતા આ સામૂહિક ફટાકડાના શોરબકોર વરચે સુરસુરિયા જેવો એક ધીમો, અસ્પષ્ટ અવાજ સંભળાયો, બિરચારો! કેટલું ચાહે છે પત્નીને! પણ પેલી તો બીજા કોઇને પ્રેમ કરે છે! કેવું વિચિત્ર! કેવું દયાજનક? ભરથરી સાચું જ કહી ગયો છે : હું સતત જેના વિચારોમાં મગ્ન હોઉં છું એ પિંગળાને તો મારામાં કશો રસ જ નથી લાગતો!’

એવું પણ ન હતું કે ઋગ્વેદ પૈસાદાર ન હતો. શહેરના પોશ વિસ્તારમાં એની આપકમાઈનો મોટો બંગલો હતો. બે ગાડીઓ હતી. એક પુરુષ તરીકે એ સોહામણો પણ હતો. હા, થોડો જાડો ખરો, પણ કદરૂપો નહીં. ઊંચાઇને કારણે એ વજનદાર હોવા છતાં સ્થૂળ દેખાવમાંથી બચી ગયો હતો.

ભલે એનો ખાનગી વ્યવસાય કે ધંધો ન હોય, પણ એક જાણીતી કંપનીમાં એની નોકરી હતી. સારો પગાર હતો. રોજ સાંજે સાડા પાંચે નોકરીમાંથી છૂટીને ઋગ્વેદ સીધો ધેર જ આવી જતો. હજુ તો બૂટ ઉતાર્યા, ન ઉતાર્યા, ત્યાં જ એ બૂમ મારે, ચિનાર, ડાર્લિંગ! ચા તૈયાર છે?’

હા, કપમાં રેડું એટલી જ વાર છે.’ ચિનાર યંત્રવત્ જવાબ આપતી. ઋગ્વેદ બહારથી લાવેલી વાનગીનું પડીકું ખુલ્લું કરી મૂકતો, આજે સેવખમણી લાવ્યો છું. ખાસ તારા માટે. તને બહુ ભાવે છે ને?’

ચિનાર ફિક્કું હસીને હા પાડતી. પતિએ લાવેલો નાસ્તો એ ચૂપચાપ ડિશમાં કાઢતી. બંને જણા બગીચામાં બાંધેલા હિંચકા ઉપર બેસીને ચા-નાસ્તો માણતા. બધું હવામાં ફરફરતા એકલદોકલ પાંદડાની માફક નિ:શબ્દપણે ચાલ્યા કરતું. પછી થોડું ચાલવા જવાનું. ચૂપચાપ પાછા ફરવાનું. માત્ર વાસણોના ખખડાટ વરચે રાતનું ભોજન લેવાનું.

પછી બેડરૂમમાં બંધ થવાનું. કયારેક સેકસ પણ ખરું પણ બધું જ ચૂપચાપ… યંત્રની જેમ… મૂક-બધીર પતિ-પત્ની બોલ્યાં-ચાલ્યાં વગર સહવાસ માણતા હોય એની જેમ.

અને ઋગ્વેદ ચિનારને હથેળીનો છાંયો કરીને સાચવતો. ચિનાર છાપું ખોલીને બેઠી હોય અને એની આંખો કોઈ નવી ફિલ્મની જાહેરાત ઉપર ચોંટેલી હોય તો પછી પૂછવાનું જ શું? એ સાંજે ઋગ્વેદ ઓફિસેથી વહેલો આવી જાય, ચિનાર, ડાર્લિંગ! ઝટપટ તૈયાર થઈ જા! આપણે સિનેમા જૉવા જવાનું છે.’

રસ્તેથી એમ જ પસાર થઈ રહ્યા હોય અને જૉ ચિનાર કોઈ સ્ટોરમાં લટકતી સાડી જૉઇને અડધી ક્ષણ પૂરતીયે અટકી જાય, તો બાકીની અડધી ક્ષણમાં એ સાડી ખરીદાઈ ચૂકી હોય.

એટલે જ એ બંનેને જાણતા, ઓળખતા અને નજીકનો ઘરોબો હોવાનો દાવો કરતા તમામ સ્ત્રી-પુરુષોમાં ન સમજાતી બાબત આ એક જ હતી : આવા પ્રેમાળ પતિનો પ્રેમ તરછોડીને, એને અંધારામાં રાખીને આ રૂપાળી ચિનાર અન્ય પુરુષના પ્રેમમાં શા કારણે પડી હશે?

એક દિવસ ચિનારના પ્રેમી શકંતે પણ આ જ પ્રશ્ન પૂછી લીધો. જયારે ચિનારનો દેહ એના આલિંગનમાં બદ્ધ હતો, ત્યારે એના નશીલા હોઠોને ચૂમતા એણે પૂછી નાખ્યું, ચિનાર, તારા જેવી યુવાન અને રૂપાળી સ્ત્રી પ્રેમિકા તરીકે મેળવીને હું તો ધન્ય થઈ ગયો છું પણ મને એક વાત સમજાતી નથી. તારો પતિ તમામ ¼ષ્ટિએ મારા કરતાં પણ ચડિયાતો છે છતાં પણ તું એને ચાહતી નથી. શા માટે?’

હા, હું ઋગ્વેદને ચાહતી નથી. હવે પછી ચાહી પણ નહીં શકું. તને ખબર છે? મેં જયારે બે વર્ષ પહેલાં એના ઘરમાં પત્ની તરીકે પગ મૂકેલો ત્યારે મારી આંખોમાં સુખી સંસારનો મોર ટહુકતો હતો અને છાતીમાં પ્રેમની ઢેલ નાચતી હતી પણ ઋગ્વેદે બીજા જ દિવસે સાવ મામૂલી વાતમાં મારી સાથે ગુસ્સો કર્યો, મને સાવ જ ધુત્કારી કાઢી, ધૂળ જેવા ઝઘડામાં એણે મારાં મા-બાપને ગાળો કાઢી. મારો હાથ ઝાલીને, ઘસડીને એણે મને ઘરની બહાર ફેંકી દીધી.

હું રડીને, કાલાવાલા કરીને, જેમતેમ કરતી પાછી ઘરમાં આવી ગઈ. પછી તો એ સુધરી ગયો છે. મને ચાહે છે, સાચવે છે, બધું જ ખરું, પણ હું આજે પણ પતિના હાથે થયેલું મારું અપમાન ભૂલી શકતી નથી!’ આટલું બોલીને ચિનાર રડી પડી.

શીર્ષક પંકિત : અસીમ રાંદેરી